ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 7:18 પી એમ(PM)

printer

રાજ્યભરમાં વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં કૃષિ વિકાસ દિવસ ઉજવાયો.

રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં કૃષિ વિકાસ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે ગીરસોમનાથમાં વેરાવળના કાજલી ખાતેથી બે દિવસના રવિ કૃષિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવોના હસ્તે ખેડૂતોને વિવિધ લાભનું વિતરણ કરાયું. જિલ્લામાં બે હજાર 76 ખેડૂતોને ટ્રૅક્ટર સહિતની સાત કરોડ રૂપિયાથી વધુની ખેતીલક્ષી સહાય પણ મંજૂર કરવામાં આવી.
ગાંધીનગરના માણસામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કૃષિ વિકાસ દિવસ અને રવિ મહોત્સવ ઉજવાયો. દરમિયાન ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ પણ અપાયો. શ્રી સંઘવીએ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ પણ કર્યો હતો.
સુરતના ઓલપાડ ખાતે ઊર્જામંત્રી કનુ દેસાઈએ બે દિવસના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. તેમના હસ્તે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભનું પણ વિતરણ કરાયું. જ્યારે જિલ્લામાં ચાર હજાર 907 ખેડૂતને વિવિધ યોજના હેઠળ આઠ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી.
અમરેલીમાં સાંસદ ભરત સુતરિયાની ઉપસ્થિતિમાં બે દિવસના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો. જિલ્લા કક્ષાના મહોત્સવમાં ખેડૂતોને શિયાળુ પાકના વાવેતર અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે કપાસ પાક નુકસાનના કૃષિ રાહત પેકેજ 2024 હેઠળ જિલ્લાના 75 હજારથી વધુ ખેડૂતને 114 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદના વિરમગામ ખાતે બે દિવસના રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે આ મહોત્સવને ખેડૂતોને આધુનિક ખેતી સાથે જોડવાનો પ્રયાસ ગણાવ્યો. ખેતી અને સંલગ્ન ક્ષેત્રના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં આગવી ઓળખ બનાવી હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું.
પોરબંદરમાં મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં કૃષિ વિકાસ દિવસ અને રવિકૃષિ મહોત્સવ ઉજવાયો.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાની અધ્યક્ષતામાં કચ્છના ભુજમાં આજે જિલ્લાકક્ષાનો કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ વર્ણવ્યા. તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન અને વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય અપાઈ.
ડાંગના આહવામાં આદિવાસી સાંસ્કૃતિક ભવન ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક વિજય પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાયો.
નર્મદામાં રાજપીપળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – APMC ખાતે નાંદોદનાં ધારાસભ્ય ડૉક્ટર દર્શના દેશમુખની ઉપસ્થિતિમાં રવિ કૃષિ મહોત્સવ ઉજવાયો. આ પ્રસંગે સુશ્રી દેશમુખે કહ્યું, ખેતીમાં વાવેતરથી વેચાણ સુધી ગુજરાત અગ્રેસર છે.