જાન્યુઆરી 14, 2026 7:25 પી એમ(PM)

printer

રાજ્યભરમાં પવન સારો રહેતાં પતંગરસિકો ઉમંગભેર ઉત્તરાયણ ઉજવી રહ્યાં છે.

રાજ્યભરમાં આજે ઉત્તરાયણની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ લોકો પતંગ ચગાવવા માટે ધાબા પર પહોંચી ગયા હતા. દરેક ધાબા પરથી “એ લપેટ…. કાઈપો છે” જેવા ઉલ્લાસભર્યા અવાજ સંભળાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો પણ રાજ્યમાં વિવિધ જગ્યાએ પતંગ મહોત્સવની ઉજવણીમાં જોડાયા હતા.
રાજ્યભરમાં ઉત્તરાયણ નિમિત્તે આજે પરંપરા, આસ્થા અને ઉત્સવનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણની આતુરતાથી રાહ જોનારા પતંગરસિકો તો સૂર્યોદય થતાં પહેલાંથી જ પતંગ ચગાવવા ધાબા પર પહોંચી ગયા છે. રાજ્યભરનું આકાશ પણ રંગબેરંગી અને આકર્ષક પતંગોથી રંગાયેલું જોવા મળ્યું હતું. આખો દિવસ પવન પણ સારો રહેતાં પતંગરસિકોએ હોંશેહોંશે પતંગ ચગાવી હતી. મહોલ્લાઓ, પોળો અને સોસાયટી વિસ્તારમાં પતંગ ચગાવવાની સાથે લોકોએ લાડુ, ચિક્કી, શેરડી, જામફળ,બોર,ગાજર,ઊંધિયું જેવી સ્વાદિષ્ટ ખાણી-પીણીનો આનંદ માણ્યો હતો. સવારથી જ લોકો ધાબા ઉપર લોકો પીપૂડી વગાડતા અને ડી જે ના તાલે સંગીત માણી રહ્યા છે. નાના બાળકોથી માંડીને વડીલો પણ કાળા ગોગલ્સ અને ટોપી પહેરીને ધાબા પર જ ચા નાસ્તો અને વિવિધ ખાણીપીણી વસ્તુઓની મઝા માણી રહ્યા છે. સવારથી જ એ.. કાપ્યો…. પકડ્યો… જેવા શબ્દોનો ગુંઝારવ સંભળાઇ રહ્યો છે. ઉત્તરાયણે દાન કરવાનું મહત્વ હોવાથી લોકો સવારથી જ ગાયને ચારો નીતરતા જોવા મળી રહ્યા છે.
બીજી તરફ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે અમદાવાદના નારણપુરા, અખબારનગર અને નવા વાડજમાં સ્થાનિકો સાથે મળી પતંગ ચગાવી હતી. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. સાથે જ તેમણે લોકો સાથે મળી પતંગ ચગાવી અને નાગરિકોને લાડુ તથા ચિક્કીનું વિતરણ કર્યું. શ્રી પટેલે રાજ્યના લોકોને મકરસંક્રાંતિના પાવન પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી. ત્યારબાદ તેમણે અમદાવાદમાં ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિકો સાથે મળી ઉત્તરાયણની ઉજવણી કરી. તો, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવાર સાથે ઉત્તરાયણની મજા માણી લોકોને સુરક્ષિત રીતે પર્વની ઉજવણી કરવા અપીલ કરી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.