ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 3, 2024 8:57 એ એમ (AM)

printer

રાજ્યભરમાં ગઈકાલે હર્ષોલ્લાસ અને પરંપરાગત રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી

સમગ્ર રાજ્યમાં ગઈકાલે વિક્રમ સંવત 2081નું નૂતન વર્ષ ઉર્ષોલ્લાસ અને આનંદમય વાતાવરણમાં ઉજવાયું.
પંચપર્વના આ દિવસોમાં લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયેલો છે. આજે ભાઈબીજનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર સંબંધોની સાક્ષી પૂરાવશે. ભાઈ-બહેનના ઘરે જમીને નવું વર્ષ શુભદાયી, ફળદાયી અને લાભદાયી નીવડે તેની શુભેચ્છા મેળવશે. ભાઇબહેનના પ્રેમ અને પવિત્ર બંધનના પ્રતીક સમી ભાઇબીજને યમદ્વીતીયા પણ કહેવાય છે.
પૌરાણિક કથા અનુસાર યમરાજ બહેન યમુનાને મળવા આવ્યા ત્યારબાદથી ભાઇબીજની ઉજવણીની શરૂઆત થઇ ભાઇબીજમાં બહેન ભાઇને તીલક કરી નાળીયેર આપે છે અને ભાઇના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરે છે. ગઈકાલે સવારથી શરૂ કરીને છેક મોડી સાંજ સુધી મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી હતી. મોટાભાગના મંદિરોમાં ભગવાનને નવા વાધા પહેરાવી શણગાર કરાયો હતો તથા અવનવી રંગેબરંગી રોશનીથી આખું પરિસર જગમગતું જોવા મળ્યું હતું.
ઠેર ઠેર અન્નકૂટના દર્શનનો ભકતોએ લ્હાવો લીધો હતો. ગોવર્ધન પૂજા અને યજ્ઞ, હવન, આરતી સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન અને સાલમુબારકની શુભેચ્છા પાઠવતા જોવા મળ્યા હતા. અને એકબીજાને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવતા હતા. કેટલાંક લોકો તો વળી ધાર્મિક સ્થાનોએ અને ફરવા લાયક સ્થળોએ મોજ માણી રહ્યા છે.