માર્ચ 14, 2025 2:16 પી એમ(PM)

printer

રાજ્યભરમાં આજે મંદિરોથી લઈ તમામ જગ્યાએ ધુળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે

રાજ્યભરમાં આજે મંદિરોથી લઈ તમામ જગ્યાએ ધુળેટીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.
દેવભૂમિદ્વારકાના અમારા પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે, દ્વારકાધીશ મંદિરમાં ભક્તિમય માહોલ વચ્ચે ફૂલડોલ ઉત્સવ ઉજવાયો. દરમિયાન સમગ્ર મંદિર જય દ્વારકાધીશ અને જય રણછોડ જેવા નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું.
બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, શક્તિપીઠ અંબાજીમાં મોટી સંખ્યામાં આવેલા ભક્તોને ધુળેટી પર્વ નિમિત્તે બે પૂનમનો લ્હાવો મળ્યો. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કર્યા બાદ ભક્તો અબિલ ગુલાલના રંગમાં રંગાયા હતા.
પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે, આજે સમગ્ર પાટણવાસીઓ ધુળેટીના રંગમાં રંગાઈને ઉજવણી કરી રહ્યા છે. શહેરના પ્રાચીન દ્વારકાધીશ મંદિર ખાતે પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય દ્વારા પરંપરાગત રીતે પ્રભુજી સન્મુખ ડોલોત્સવનું આયોજન કરાયું છે.
ખેડાના અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે, વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. કેસુડાની પિચકારીથી હરિભક્તો પર વિવિધ રંગ ઉડાડવામાં આવ્યા હતા.
ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, વેરાવળમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. એક અગ્રણીએ જણાવ્યું, પ્રાચીન કાળથી અંદાજે 130 વર્ષ પહેલાથી ચાલતી આવતી આ પરંપરા આજની પેઢીએ આજે પણ જાળવી રાખી છે.
જામનગરના અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે, ધારાસભ્યો સહિતના અગ્રણીઓએ શહેરની સામાજિક સંસ્થામાં ભણતા મુકબધિર અને અન્ય દિવ્યાંગ બાળકોની સાથે ધુળેટીની ઉજવણી કરી.
મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે, વિસનગર ખાતે એકબીજાને ખાસડા મારીને ધુળેટીની અનોખી ઉજવણી કરાય છે, પરંતુ હવે ખાસડાની જગ્યા શાકભાજીએ લઈ લીધી છે.
બીજી તરફ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પ્રાકૃતિક રંગથી અને ડીજેના તાલે રંગોત્સવ ઉજવાયો. સાંભળીએ એક અહેવાલ.
મહીસાગરના અમારા પ્રતિનિધિ કૌશિક જોષી જણાવે છે, ઐતિહાસિક માનગઢ ધામ ખાતે આસ્થાના રંગ સાથે ધુળેટી ઉજવવામાં આવી. શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર પણ સ્થાનિક લોકો સાથે ઉજવણી કરતા નજરે પડ્યા હતા.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.