રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ થયો.
બનાસકાંઠામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના સીમાવર્તી બેવટા, દિપડા અને મોટા મેસરા ખાતેથી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ અપાવ્યો.
દાહોદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં સુખપર કૃષિ શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. દરમિયાન શ્રી ડિંડોરે બાળકોના અભ્યાસ માટેની ચિંતા સરકારે કરીને તે માટેની તમામ વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણામાં ઊંઝાની જી. એમ. હાઈસ્કૂલમાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો. ઉપરાંત ધારાસભ્ય મુકેશ પટેલ બાળકોને આંગળી પકડીને શાળામાં લાવ્યા. તેમણે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી તમામ મદદની ખાતરી પણ આપી.
સુરેન્દ્રનગરમાં નાયબ મુખ્યદંડક જગદીશ મકવાણાએ વઢવાણ તાલુકામાં ખોડુ ગામની કુમાર અને કન્યા શ્રી પ્રમુખ સ્વામી મહારાજ માધ્યમિક શાળાથી પ્રવેશોત્સવનો શુભારંભ કરાવ્યો. દરમિયાન તેમણે રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને બાળકોને શિક્ષણ માટે જરૂરી તમામ માળખાગત સુવિધા મળી રહે તે માટે સરકારે તકેદારી લીધી હોવાનું જણાવ્યું.
કચ્છમાં માંડવી તાલુકાના વિવિધ ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં યોજાયેલા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાળકોને શાળા પ્રવેશ કરાવાયો. દરમિયાન મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કિટ અપાઈ.
અમદાવાદમાં મુખ્યમંત્રીનાં અધિક અગ્ર-સચિવ અવંતિકા સિંઘની ઉપસ્થિતિમાં હાંસોલ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો. સુશ્રી સિંઘે 57 બાળકોને બાળવાટિકામાં અને 66 બાળકોને ધોરણ-1માં પ્રવેશ કરાવ્યો.
નવસારી જિલ્લામાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રેની અધ્યક્ષતામાં નવસારી તાલુકાની મુનસાડ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો.
Site Admin | જૂન 26, 2025 3:51 પી એમ(PM)
રાજ્યભરમાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ