રાજ્યમાં આજે 158 તાલુકામાં આજે વરસાદ પડ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કલ્યાણપુરમાં પોણા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડ જિલ્લાના કપરાડામાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.   આ ઉપરાંત છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીમાં પણ સાડા ત્રણ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.
તાપી જિલ્લામાં વ્યારા તાલુકામાં 3.5 ઇચ જેટલો વરસાદ પડતા નદીઓ બે કાંઠે થઈ હતી. વ્યારાથી જેતપુર મદાવને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. જિલ્લામાં વરસાદ વચ્ચે 25 જેટલા પંચાયત હસ્તકના રસ્તા બંધ કરાયા છે.
 ડાંગ જિલ્લામા છેલ્લા 10 કલાકમાં આહવા અને વઘઇ તાલુકામા 3 ઇંચથી વધુ અને સુબીર તાલુકામા દોઢ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે
જિલ્લા પંચાયત હસ્તકના ૪ જેટલા માર્ગો વરસાદી પાણીને કારણે અવરોધાતા તે બંધ કરાયા છે.
ઉપરવાસમાં વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના જળાશયોમાં મોટાભાગે 50 ટકા પાણીનો જથ્થો છે. મેશ્વો જળાશયમાં પાંચસો ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી હોવાનું સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું છે.
Site Admin | જુલાઇ 5, 2025 7:20 પી એમ(PM)
રાજ્યના 158 તાલુકામાં આજે મેઘમહેર-આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી