રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે 132 તાલુકામાં વરસાદ પડ્યો છે. પોરબંદર જિલ્લાના રાણાવાવમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર અને જૂનાગઢ શહેરમાં અઢી ઇંચથી વધુ વરસાદ વરસ્યો. જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકામાં બે ઈંચથી વધુ, ખંભાળિયા અને ભાણવડમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. આ સાથે કચ્છ જિલ્લાના માંડવી અને મુંદ્રા સહિત રાજ્યના 11 જિલ્લામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોએ કપાસ, મકાઈ, તુવેર અને સોયાબીનનું વાવેતર કરવાની શરૂઆત કરી છે.
રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો સરેરાશ 32 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો, રાજ્યમાં 19 જળાશય હાઇએલર્ટ પર છે જ્યારે 13 એલર્ટ અને 14 વોર્નિંગ પર છે. આ સાથે રાજ્યના 13 જળાશય સંપૂર્ણ ભરાયા છે.
રાજ્યમાં અત્યાર સુધી 676 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ 434 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં NDRFની 13 અને SDRFની 20 ટુકડી તહેનાત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે રાજ્યમાં 90 માર્ગ બંધ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે 8 માર્ગ પૂર્વવત કરાતા હાલ 82 માર્ગ બંધ છે.
Site Admin | જૂન 30, 2025 7:38 પી એમ(PM)
રાજ્યના 132 તાલુકામાં આજે વરસાદ-આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી