‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરામાં નવલખી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી તિરંગા યાત્રામાં સહભાગી થયા. આ ઉપરાંતમાં રાજ્યના અનેક જિલ્લામાં આજે તિરંગા યાત્રા યોજાઇ હતી.
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન સરહદ નજીક ખાતે ત્રિરંગા યાત્રા યોજાઈ. જેમાં BSF ના જવાનો, વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા. જ્યારે છોટાઉદેપુરમાં હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા અંતર્ગત નગરપાલિકા દ્વારા શાક માર્કેટમાં સફાઈ કરવામાં આવી. બીજી તરફ અમદાવાદની 400 અને નવસારીની 80 જેટલી શાળાઓમાં રંગોળી સહિતની સ્પર્ધા યોજાઈ. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા મંડળ કચેરી, રેલવે મ્યુઝિયમ અને ભાવનગર ટર્મિનસ રેલવે મથકને તિરંગાની લાઇટિંગથી સજાવવામાં આવ્યા છે.