જુલાઇ 2, 2024 3:23 પી એમ(PM) | વરસાદ | હવામાન

printer

રાજ્યના અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદના અહેવાલ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અનેક સ્થળે ભારેથી અતિભારે વરસાદના અહેવાલ છે.
નવસારીના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે, નવસારી અને જલાલપોર તાલુકામાં વરસાદનું રેડ અને ઑરેન્જ એલર્ટને ધ્યાનમાં રાખી બંને તાલુકામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા વહીવટી તંત્રએ જાહેરાત કરી છે.
તાપીના અમારા પ્રતિનિધિ નિરવ કંસારા જણાવે છે કે, સૌથી વધારે 4 ઈંચ વરસાદ વાલોડ તાલુકામાં નોંધાયો. અહીંના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ડોલવણ તાલુકાના આસોપાલવ ગામ નજીકના આંતરિયાળ ગામને જોડતા રસ્તા પર વિજ થાંભલો ધરાશાયી થતાં આ રસ્તાને બંધ કરવાની ફરજ પડી હતી.
ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના 25 જિલ્લામાં ભારે તો આઠ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. નર્મદા, કચ્છ, રાજકોટ, વલસાડ, દેવભૂમિદ્વારકા, જુનાગઢ, ભાવનગર, અમરેલી, સુરત અને ગીરસોમનાથ જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRFની ટીમ તહેનાત કરવામાં આવી છે.
ભાવનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, મહુવામાં સાડા પાંચ, જેસરમાં અઢી, તળાજામાં દોઢ, વલભીપુરમાં સવા એક, ઉમરાળા અને સિહોરમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો.
સુરતનાં અમારા પ્રતિનિધિ લોપા દરબાર જણાવે છે કે, બારડોલીથી માંડવીને જોડતા રાજ્ય રાજમાર્ગ પર રાયમ ગામ નજીકના રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર થઈ છે.
પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, સવારથી હળવા વરસાદી ઝાપટાં વરસતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.
ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશદી જણાવે છે કે, છેલ્લા 24 કલાકમાં હાંસોટમાં 4, અંકલેશ્વરમાં સાડા ત્રણ ઈંચ, ભરૂચ તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો.
ભારે વરસાદને લઈ વલસાડ વહીવટી તંત્રએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે.
નર્મદાના અમારા પ્રતિનિધિ દિપક જગતાપ જણાવે છે કે, નાંદોદ તાલુકાના રામપુર ખાતે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ – NDRF અને ગરુડેશ્વરના ગોરા ખાતે રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ – SDRFની ટીમ અદ્યતન સાધનો સાથે તહેનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા ડેમની જળસપાટી 119.40 મીટરે પહોંચી ગઈ છે. અહીં ઉપરવાસમાંથી પાણીની 35 હજાર 371 ક્યૂસેક આવક નોંધાઈ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.