જુલાઇ 17, 2025 3:07 પી એમ(PM)

printer

રાજ્યનાં ક્ષતિગ્રસ્ત થયેલા વિવિધ રોડ રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

કચ્છમાં ભારે વરસાદને કારણે ભુજ શહેરના ક્ષતિગ્રસ્ત થયેલા વિવિધ રોડ રસ્તાના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. ભુજ શહેરમાં આત્મારામ સર્કલ સહિતના રોડને મેટલિંગ કરીને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું.. ગાંધીધામ શહેરમાં પણ મહાનગપાલિકાના કમિશનર મેહુલ દેસાઈએ વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરીની સમીક્ષા કરી હતી.
અમદાવાદ જિલ્લામાં માર્ગ અને વિભાગ પંચાયત હસ્તકના કુલ 36 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ધોલેરા, વિરમગામ અને માંડલ તાલુકાના સર્વે કરાયેલ રસ્તાઓ પૈકી કુલ 36 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
સાથે જ મહીસાગરના બાલાસીનોરમાં પુલોની વર્તમાન સ્થિતિ, પાણીના પ્રવાહને કારણે થતી અસરોની તપાસ કરવામાં આવી હતી.
તો ડાંગના કાલીબેલ-બરડીપાડા રોડ પર કોંક્રિટ પેચવર્કની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત ડાંગનો ધવલીદોડ-ધુડા-પીપલાઈદેવી રોડ પરનો માઈનોર બ્રિજ ભારે કોમર્શિયલ વાહનો માટે વધુ છ માસ માટે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગના વૈકલ્પિક માર્ગ તરીકે ધુડાથી હિંદળા થઈ પીપલાઈદેવી રોડનો ઉપયોગ કરવા સુચન કરાયું છે.