સપ્ટેમ્બર 13, 2024 9:36 એ એમ (AM) | વરસાદ

printer

રાજસ્થાનમાં મોસમનાં 26 ઇંચ વરસાદ સાથે છેલ્લાં 49 વર્ષનો વરસાદનો વિક્રમ તૂટ્યો

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશ સહિતનાં કેટલાંક રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને પગલે જનજીવન ખોરવાઈ ગયું છે.
રાજસ્થાનમાં આ ચોમાસામાં 26 વરસાદ વરસી ચૂક્યો છે, જેણે 49 વર્ષનો વિક્રમ તોડ્યો છે. આ ચોમાસામાં રાજ્યમાં સરેરાશ કરતા 61 ટકા વરસાદ પડ્યો છે. અગાઉ વર્ષ 1975માં 26 ઇંચ વરસાદ પડ્યો હતો. ધોલપુર, દૌસા, ભરતપુર, ઝાલાવાડ, કરૌલી અને બારન સહિતનાં 35 નગર અને શહેરોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે.
ધોલપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે એક મકાન તૂટી પડતાં બે બાળકોનાં મૃત્યુ થયા છે. વહીવટીતંત્રએ કેટલાંક જિલ્લાની શાળાઓમાં આજે રજા જાહેર કરી છે. અતિવૃષ્ટિને કારણે ખરીફ પાકને મોટું નુકસાન થયું છે. પૂર્વના જિલ્લાનાં અનેક શહેરોમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. રાજ્યનાં મોટા ભાગના જળાશયો છલકાઈ ગયા છે.
દરમિયાન, ઉત્તરપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદનાં અહેવાલ છે. ઝાંસી, અલીગઢ, ફરુખાબાદ, આગ્રા અને મથુરા જિલ્લામાં છેલ્લાં 24 કલાકથી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યનાં અનેક ભાગોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
મધ્યપ્રદેશમાં છેલ્લાં કેટલાંક દિવસથી સતત વરસાદને કારણે કેટલાંક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તે છે. મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રજા ન લેવાનો નિર્દેશ આપ્યો છે.
દરમિયાન, કેન્દ્રીય ગ઼ૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ અનિલ સુબ્રમણ્યમનાં નેતૃત્વમાં કેન્દ્રીય ટીમે ગઈ કાલે આંધ્રપ્રદેશના પુરગ્રસ્ત જિલ્લાઓનુ મુલાકાત લીધી હતી. નિષ્ણાતોની ટીમે ભારે નુકસાનથી થયેલા નુકસાનું વિશ્લેષણ કર્યું હતું અને અમરાવતીમાં મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની મુલાકાત લીધી હતી.
હવામાન વિભાગે ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદ માટેનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. મધ્ય ભારતમાં સર્જાયેલા હવાનં દબાણને પરિણામે મુસળધાર વરસાદની સંભાવના છે.