રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ખાસ કરીને દીવ, દમણ, સાસણગીર, દ્વારકા, સોમનાથ, અંબાજી, શામળાજી, સાપુતારા સહિત અનેક સ્થળોએ દિવાળીની રજાઓ માણતા પ્રવાસીઓ જોવા મળી રહ્યાં છે.
દીવના પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે, કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આવેલા નાગવા બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. આ ઉપરાંત દીવ કિલ્લો, ચર્ચ, ખૂકરી મેમોરીયલ સહિતના અન્ય જોવાલાયક સ્થળોએ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
ડાંગના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે, કુદરતી સૌંદર્યથી ભરપૂર સાપુતારા ગિરીમથકે પણ દિવાળી વેકેશનમાં મોટા પ્રમાણમાં પર્યટકો જોવા મળી રહ્યા છે. પર્યટકો પંપા સરોવર, મહાલ તેમજ સાપુતારા ખાતે વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિઓ, ઉંટસવારી, ઘોડેસવારીનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે.
દેવભૂમિ દ્વારકાના પ્રતિનિધિ કરણ જોષી જણાવે છે કે, યાત્રાધામ દ્વારકામાં ભકતોનું ઘોડાપૂર ઉમટ્યું છે. આજે ભાઇબીજના દિવસે શ્રદ્ધાળુઓ ગોમતી નદીમાં સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે. સવારથી જ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.
અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે, શામળાજી અને દેવાયત પંડિતની સમાધી સ્થળોએ પણ પર્યટકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદ-ગાંધીનગર સહિતના રાજયના જુદાજુદા સ્થળેથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ શામળીયાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
Site Admin | નવેમ્બર 3, 2024 3:07 પી એમ(PM) | દીવાળીની રજાઓ
રાજયના વિવિધ યાત્રાધામો અને પ્રવાસન સ્થળોએ દીવાળીની રજાઓ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
