અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અસરગ્રસ્તો માટે વિશ્વભરના નેતાઓ સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આ દુ:ખદ ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શોક સંદેશ મોકલ્યો છે. માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝુએ પણ દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું, તેઓ ભારત સરકાર અને ભારતના લોકો સાથે છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે આ દુર્ઘટનાને ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટનાઓમાંથી એક ગણાવી. તેમણે કહ્યું, અમેરિકા ભારતને તમામ પ્રકારની મદદ પહોંચાડવા તૈયાર છે.
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું, અસરગ્રસ્ત તમામ લોકોના પરિવારજનો પ્રત્યે તેમની સંવેદના છે.
કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીએ કહ્યું, તેમનો દેશ આ અકસ્માતથી ઘણો દુઃખી છે. તેમણે કહ્યું, કેનેડાના અધિકારીઓ આ દુર્ઘટનાને પગલે તેમના સમકક્ષો સાથે નજીકના સંપર્કમાં છે. તો યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સકીએ પણ સોશિયલ મીડિયા સંદેશમાં આ અકસ્માત અંગે ઊંડી સંવેદના વ્યક્ત કરી. યુરોપિયન સંઘનાં પ્રમુખ ઉર્સુલા વૉન ડૅર લેયેને પણ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું, તેઓ આ દુઃખની ઘડીમાં ભારતના લોકોની સાથે છે.
બ્રિટૅનના પ્રધાનમંત્રી કિર સ્ટાર્મરે દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું, ઘણા બ્રિટિશ નાગરિકોને લઈ જતા વિમાનનો અકસ્માત દુઃખદ છે. તેમણે કહ્યું, આવા સમયે તેમની સંવેદના મૃતકો, ઈજાગ્રસ્તો અને તેમના પરિવાર સાથે છે. ઉપરાંત ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બૅનીઝ, ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોં, સિંગાપોરના પ્રધાનમંત્રી લૉરેન્સ વૉન્ગ સહિત અનેક નેતાઓએ વિમાન દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે..
Site Admin | જૂન 13, 2025 8:13 એ એમ (AM)
રશિયા, અમેરિકાનાં પ્રમુખ સહિત વિશ્વભરના નેતાઓએ વિમાન દુર્ઘટના અંગે શોકની લાગણી વ્યક્ત કરી