કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, શહેરી સહકારી બેંકોએ મહત્વાકાંક્ષી યુવાનો અને સમાજના વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે આગળ આવવું જોઈએ. આજે નવી દિલ્હીમાં શહેરી સહકારી ધિરાણ ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પરિષદ, સહકારી કુંભ 2025નું ઉદ્ઘાટન કરતા શ્રી શાહે કહ્યું કે, શહેરી સહકારી બેન્ક અને ધિરાણ મંડળીઓના રાષ્ટ્રીય મંડળ-NAFCUB અને શહેરી સંગઠનોએ નૈતિક માર્ગદર્શિકા જારી કરવી જોઈએ જેના આધારે દરેક શહેરી સહકારી બેંકે તેના નાણાકીય માળખાને ફરીથી ડિઝાઇન કરવું જોઈએ. ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના યુવા પેઢીને સહકારી સંસ્થાઓ સાથે જોડવા અને સહકારી ક્ષેત્ર માટે વ્યાવસાયિકો તૈયાર કરવા માટે કરવામાં આવી છે.
શ્રી શાહે AMUL અને IFFCO ને આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણ વિશ્વ રેન્કિંગમાં ટોચના બે સ્થાનો પર સ્થાન મેળવવા બદલ અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે, અમૂલ દેશભરમાં 30 મિલિયન લિટર દૂધ એકત્રિત કરીને શ્વેત ક્રાંતિને આગળ ધપાવી રહ્યું છે. તેમણે ઉમેર્યું IFFCO 93 લાખ ટન યુરિયા અને DAP નું ઉત્પાદન કરીને દેશની હરિયાળી ક્રાંતિનો આધારસ્તંભ બની ગયું છે.