યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. 18મી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મેળા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર યાત્રાળુઓની સુવિધા માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.
આ મેળામાં અંદાજે 30 લાખથી વધુ યાત્રાળુઓ ભાગ લે તેવી શક્યતા છે. યાત્રાળુઓ માટે એક QR કૉડ પણ તૈયાર કરાયો છે, જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી સ્થળ સાથે મળી રહેશે.
ઉપરાંત પગપાળા યાત્રાળુઓ માટે આ વર્ષે વિવિધ ચાર સ્થળોએ વૉટરપ્રૂફ ડૉમ બનાવવામાં આવ્યા છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6થી સાડા 6 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે સવારે સાડા 6 વાગ્યાથી સાડા 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ અર્પણ કરાશે. બપોરે સાડા 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી દર્શન, સાંજે 7થી સાડા 7 વાગ્યા સુધી આરતી, સાડા સાતથી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન થઈ શકશે. આગામી 19 સપ્ટેમ્બરથી મંદિરમાં આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ રહેવાનું શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાદીમાં જણાવ્યું છે. ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન 1 હજાર ઘાણ એટલે કે ૩ લાખ ૨૫ હજાર કિલો મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું છે. 1 ઘાણમાં ૧૦૦ કિલો બેસન, ૧૫૦ કિલો ખાંડ ૭૫ કિલો ઘી, ૨૦૦ ગ્રામ ઈલાયચી વપરાય છે. આ માટે ઘાણ બનાવવામાં ૧૦૦ જેટલા કારીગરો, પેકિંગ માટે ૨૦૦થી ૩૦૦ કારીગરો સહિત અન્ય કામ માટે ૧૦૦થી ૧૫૦ માણસો સેવાઓ આપી રહ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 12:04 પી એમ(PM)
યાત્રાધામ અંબાજીમાં આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે.
