ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 14, 2025 7:59 પી એમ(PM)

printer

મોંગોલિયન નાગરિકોને નિ:શુલ્ક ઈ-વિઝા આપવાનો ભારતનો નિર્ણય-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખના વચ્ચે આજે નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ. બેઠક દરમિયાન બંને પક્ષોએ માનવતાવાદી સહાય, મોંગોલિયામાં વારસા સ્થળના પુનઃસ્થાપન, દેશાગમન, ભૂસ્તરશાસ્ત્ર અને ખનિજ સંસાધનોમાં સહયોગ, સહકારી સંસ્થાઓને પ્રોત્સાહન અને ડિજિટલ ઉકેલોની વહેંચણી માટે સમજૂતી કરારનું આદાન-પ્રદાન કર્યું હતું. આ પ્રસંગે, બંને નેતાઓએ સંયુક્ત રીતે ભારત અને મોંગોલિયાના દ્વિપક્ષીય સંબંધોની 70મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક ટિકિટોનું વિમોચન કર્યું.
નવી દિલ્હીમાં સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતે મોંગોલિયન નાગરિકોને નિ:શુલ્ક ઈ-વિઝા આપવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, ભારત મોંગોલિયાના યુવા સાંસ્કૃતિક રાજદૂતોની વાર્ષિક ભારત મુલાકાતને પણ પ્રાયોજિત કરશે. શ્રી મોદીએ કહ્યું કે, ભારત અને મોંગોલિયા વચ્ચેનો સંબંધ ફક્ત રાજદ્વારી નથી પરંતુ બંને દેશો વચ્ચેનો ભાવનાત્મક અને આધ્યાત્મિક બંધન છે.
આ પ્રસંગે, મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ ખુરેલસુખ ઉખ્નાએ ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટમાં સર્વાંગી સમર્થન બદલ ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, ડિજિટલ સહયોગ અંગેનો એમઓયુ ભારત અને મોંગોલિયા વચ્ચે એક સીમાચિહ્નરૂપ કરાર છે.