મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીથી જનજાતીય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવશે. સરકાર દ્વારા 14 આદિજાતિ જિલ્લા સહિત રાજ્યભરમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશ સાથે જનજાતીય ગૌરવયાત્રાનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા-દર્શનમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ’ અંતર્ગત યોજાઈ રહેલી જનજાતીય ગૌરવ યાત્રાનો અંબાજીથી પ્રારંભ થશે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત વિવિધ રાજ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ યાત્રા અંબાજી અને મહારાષ્ટ્રની સરહદે આવેલા ઉમરગામથી એમ બે સ્થળ પરથી આજથી 13 નવેમ્બર સુધી યોજાશે. દરમિયાન 14 આદિજાતિ જિલ્લાઓ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જનજાગૃતિ અને આદિજાતિ ગૌરવના સંદેશને આ યાત્રા લોકો સુધી પ્રસરાવશે. યાત્રા દરમિયાન જનજાતીય ગૌરવ રથ જે ગામમાં જશે ત્યાં લોકો દ્વારા સ્વાગત કરાશે. તેમજ રાત્રિરોકાણના સ્થળોએ ભગવાન બિરસા મુંડાના જીવન-કવનના નાટક, નિદર્શન અને કેન્દ્ર અને રાજ્ય સરકારની માહિતી પણ લોકોને અપાશે.
Site Admin | નવેમ્બર 7, 2025 9:19 એ એમ (AM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અંબાજીથી જનજાતીય ગૌરવયાત્રાનો શુભારંભ કરાવશે