મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈ નૅશનલ સ્ટૉક ઍક્સચેન્જમાં ઘંટડી વગાડી સુરત મહાનગરપાલિકાના પ્રમાણિત મ્યુનિસિપલ ગ્રીન બૉન્ડને યાદીમાં સામેલ કરાવ્યા. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, મહાપાલિકાએ જાહેર કરેલા 200 કરોડ રૂપિયાના આ બૉન્ડ થકી હરિયાળા અન ટકાઉ વિકાસ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. દેશમાં સૌપ્રથમ વાર આંતર-રાષ્ટ્રીય ગ્રીન પ્રમાણપત્ર સાથે આ બૉન્ડ બહાર પડાયા છે.
આ પ્રસંગે મહાપાલિકાનાં કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું, આ બૉન્ડના માધ્યમથી એકઠી થનારી રકમ પર્યાવરણનું જતન કરવા સાથે હરિયાળી ઊર્જાને લગતી પરિયોજનાઓના સ્ત્રોત માટે ખર્ચાશે. ઉપરાંત સૌરઊર્જાને લગતી પરિયોજના, જળસંચયને લગતા પ્રકલ્પો અને હરિયાળા પરિવહનની દિશામાં સાકાર થનારી પરિયોજનામાં આ બોન્ડ મહત્વના રહેશે.