રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં માણસા તાલુકાના મહુડી જૈનતીર્થ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો. તેમણે વિકાસરથનું પ્રસ્થાન કરાવ્યું. સાથે જ શ્રી પટેલે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 20 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા નવા ચાર-માર્ગીય પીલવઈ-મહુડી માર્ગનું લોકાર્પણ કર્યું.
અરવલ્લીના મોડાસા શહેરી વિસ્તારોમાં વિકાસલક્ષી યોજનાઓના ખાતમુહૂર્ત કરાયા. દરમિયાન બૅન્કેબલ લૉન યોજનાના લાભાર્થીઓને લાભ અને પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજનાના કાર્ડનું વિતરણ કરાયું તેમ મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું.
કૃષિમંત્રી રાઘવજી પટેલે જામનગરના મોરકન્ડા ગામમાં એક કરોડ 10 લાખ રૂપિયાના ખર્ચ નિર્માણ પામનારા પશુ દવાખાનાનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, આગામી સમયમાં રાજ્ય સરકારે એક હજાર નવા પશુ દવાખાના સ્થાપવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે, જામનગરમાં નવા 16 પશુ દવાખાનાનું નિર્માણ કરાશે.
છોટાઉદેપુર જિલ્લાના પાવી-જેતપુરના ડુંગરવાન્ટ ગામમાં જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ. તેમાં શ્રી પરમારના હસ્તે વિવિધ સ્વ-સહાય જૂથને એક લાખ 50 હજાર રૂપિયાના ચૅક અને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓના લાભાર્થીઓને ચાવીનું વિતરણ કરાયું.
Site Admin | ઓક્ટોબર 12, 2025 2:30 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં માણસા તાલુકાના મહુડી જૈનતીર્થ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લીધો.