મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વૈશ્વિક પડકાર વચ્ચે વિકસિત ભારત બનાવવા દેશની દ્રઢ પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે આ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને પ્રાપ્ત કરવા પાયા તરીકે વિકસિત ગુજરાત બનાવવાના મહત્વ પર પણ ભાર આપ્યો.
રાજ્યના નોંધપાત્ર ઔદ્યોગિક વિકાસ પર પ્રકાશ પાડતા શ્રી વૈષ્ણવે કહ્યું, ગત 11 વર્ષમાં, રાજ્ય-એ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં અનેક વૃદ્ધિ હાંસલ કરી છે. સાથે જ રાજ્યના રેલવે જોડાણનો પણ વિસ્તરણ કરાયો છે. તેમણે કહ્યું, આ સમયગાળા દરમિયાન રાજ્યમાં બે હજાર 764 કિલોમીટર નવી રેલવેલાઈન બનાવવામાં આવી છે.
શ્રી વૈષ્ણવે ભારતની પ્રથમ બૂલેટ ટ્રેન ઑગસ્ટ 2027 સુધીમાં કાર્યરત્ થવાની ધારણા હોવાની જાહેરાત પણ કરી. હાલ 30 જાપાની કૅમિકલ અને ગેસ કંપની ટૂંક સમયમાં રાજ્યમાં સેમિ-કન્ડક્ટર માળખાને મજબૂત કરવા તેમના એકમ સ્થાપિત કરશે તેમ પણ શ્રી વૈષ્ણવે ઉમેર્યું. તેમણે ઉદ્યોગકારોને રાજ્યમાં ઝડપથી વિસ્તરતા ઇલેક્ટ્રોનિક ઘટક ઉદ્યોગમાં રોકાણ કરવા આમંત્રણ પણ આપ્યું.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સંબોધનમાં જણાવ્યું, વાઇબ્રન્ટ ગુજરાત રોકાણ સંમેલન દ્વારા રાજ્યમાં ગત 24 વર્ષમાં 68 પૂર્ણાંક નવ અબજ ડૉલરનું રોકાણ આવ્યું છે. ગુજરાત આજે ભારતના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકા અને દેશના નિકાસમાં 27 ટકા ફાળો આપે છે.
આ પ્રાદેશિક પરિષદ સ્થાનિક ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણને આકર્ષિત કરશે. તેમજ “વૉકલ ફૉર લૉકલ અને લૉકલ ફૉર ગ્લોબલ”ની વિભાવનાને પણ પ્રોત્સાહન આપશે તેમ શ્રી પટેલે ઉંમેર્યું.
આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને વિવિધ ઉદ્યોગ વચ્ચે અનેક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ થયા.
Site Admin | ઓક્ટોબર 9, 2025 3:53 પી એમ(PM)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણામાં સૌપ્રથમ વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ કરાવ્યો.