મે 9, 2025 3:32 પી એમ(PM)

printer

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યના ભૂમિદળ નૌકા દળ, વાયુસેના અને તટરક્ષકના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના સચિવો સાથે બેઠક યોજી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્યના ભૂમિદળ નૌકા દળ, વાયુસેના અને તટરક્ષકના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના સચિવો સાથે બેઠક યોજી. બેઠકમાં શ્રી પટેલે કટોકટીની સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની તાકીદ કરી હતી. તેમણે હાલની તણાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોમાં સ્થળાંતરનું આયોજન કરવા સાથે નાગરિક સંરક્ષણની સજ્જતા, સલામત સ્થળોની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંશાધનોની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ સૂચનાઓ આપી.
શ્રી પટેલે નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ઇંધણનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થાનો પૂરતો સંગ્રહ કરી લેવા પણ સૂચનો કર્યા.
દરમિયાન આરોગ્ય અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને જરૂરી કર્મચારીઓ સાથે કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાના પણ શ્રી પટેલે નિર્દેશ આપ્યા. તેમણે ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ, વસ્તુઓ કે વ્યક્તિઓ અંગે જાણ થાય તો તરત જ તંત્ર સાવચેત રહીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું.