મહેસાણા એરોડ્રામ ખાતે આજે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો હતો. આ પ્રસંગે મહેસાણા એરોડ્રમ ખાતે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વાયુસેના, જળસેના અને થલસેનાનું શૌર્ય અને પરાક્રમ આજે આપણા માટે સમગ્ર વિશ્વમાં ગૌરવ લેવા જેવું છે, અને તેમણે ઓપરેશન સિંદૂર જેવા પરાક્રમો માટે ભારતીય સેનાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે દેશના વિકાસ સાથે સ્વચ્છતા, સામાજિક સમરસતા, બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાન આજે રાષ્ટ્રનો પાયો મજબૂત કરી રહ્યા છે. આ સાથે પ્રધાનમંત્રીશ્રી મોદીએ આપેલ સ્વદેશી અપનાવો મુહિમને આગળ વધારવા માટે તેમણે નાગરિકોને અપીલ કરી હતી.
હવાઈ દળનો આભાર માનતા સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે, એર શોના આયોજને નાગરિકોમાં ઉત્સાહ અને પ્રેરણાનો સંચાર વ્યક્ત કર્યો છે. અમારા મહેસાણાના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર આ એર શો જોવા માટે લોકો પરિવાર સાથે મોટી સંખ્યામાં આવ્યા હતા અને ભારતીય વાયુસેનાના અદમ્ય સાહસ તથા શૌર્યની અનુભૂતિ કરી હતી.એરોબેટીક ટીમે મહેસાણાના અવકાશમાં ભારતના વિશ્વવિખ્યાત સ્વદેશી તેજસ વિમાનની આકૃતિ સહિત વિવિધ કરતબો કર્યા હતા
Site Admin | ઓક્ટોબર 24, 2025 3:08 પી એમ(PM)
મહેસાણા એરોડ્રામ ખાતે આજે ભારતીય હવાઈ દળની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો