ભોપાલ ગેસ દુર્ઘટનાના ચાલીસ વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી 377 ટન જોખમી કચરોના નિકાલ કરવાનું કામ ગઈકાલે રાત્રે શરૂ કરાયું છે. આ ઝેરી કચરો ભોપાલથી અઢીસો કિલોમીટર દૂર ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારમાં બાર સીલબંધ કન્ટેનરમાં લઈ જવામાં આવી રહ્યો છે. ભોપાલ ગેસ દુર્ઘટના રાહત અને પુનર્વસન વિભાગના નિયામક સ્વતંત્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે આ વાહનો માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આમાંથી કેટલોક કચરો પીથમપુરના કચરા નિકાલ યુનિટમાં બાળવામાં આવશે અને રાખમાં હાનિકારક તત્વોની હાજરી અંગે પરીક્ષણ કરાશે. ભઠ્ઠીમાંથી નીકળતો ધુમાડો ચાર ખાસ ફિલ્ટર દ્વારા બહાર આવશે જેથી આસપાસનો વિસ્તાર પ્રદૂષિત ન થાય.
ઉલ્લેખનીય છે કે બીજી અને ત્રીજી ડિસેમ્બર 1984ની રાત્રે યુનિયન કાર્બાઈડ જંતુનાશક ફેક્ટરીમાંથી અત્યંત ઝેરી મિથાઈલ આઈસોસાયનેટ ગેસ લીક થયો હતો. આ ઘટનામાં લગભગ પાંચ હજાર 479 લોકોના મોત થયા હતા અને હજારો લોકો ગંભીર અને લાંબા ગાળાની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. આ ઘટનાને વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવે છે. મધ્યપ્રદેશ વડી અદાલતે કચરાના નિકાલ કરવા માટે ચાર અઠવાડિયાની સમયમર્યાદા નક્કી કરી છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 9:23 એ એમ (AM)
ભોપાલ ગેસ દુર્ઘટનાના ચાલીસ વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી 377 ટન જોખમી કચરાના નિકાલનું કામ ગઈકાલે રાત્રે શરૂ કરાયું
