માર્ચ 30, 2025 9:36 એ એમ (AM)

printer

ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા ઓપરેશન બ્રહ્મા હેઠળ સ્પેશિયલ મેડિકલ ટાસ્ક ફોર્સ તૈનાત

વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભૂકંપગ્રસ્ત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે ભારતીય સેનાએ ઓપરેશન બ્રહ્મા હેઠળ સ્પેશિયલ મેડિકલ ટાસ્ક ફોર્સ તૈનાત કરી છે.ઉપરાંત ભારતીય વાયુસેનાના પાંચ વિમાનોને મ્યાનમારના યાંગોન અને નાયપીડોમાં ઉતારવામાં આવ્યા છે. બે C-17 વિમાનોમાં 10 ટન આપત્તિ વ્યવસ્થાપન સામગ્રી, 60 પેરામેડિકલ એમ્બ્યુલન્સ અને રાષ્ટ્રીય આપત્તિ રાહત કર્મચારીઓ હતા.અગાઉ, ભારતીય વાયુસેનાના વિમાને AFS હિન્ડોનથી ભૂકંપગ્રસ્ત મ્યાનમારમાં લગભગ 15 ટન રાહત સામગ્રી પહોંચાડી હતી. ભૂકંપ પછી, જ્યાં હવાઈમથક સંપૂર્ણપણે કાર્યરત નથી, ત્યાં મ્યાનમારની રાજધાનીમાં બચાવ કાર્યકરો મોકલનાર ભારત પહેલો દેશ છે.રાષ્ટ્રીય આપત્તિ રાહત દળની ટીમ આજે માંડલે જવા રવાના થશે. રાહત કામગીરી માટે શહેરમાં પહોંચનારી આ પહેલી બચાવ ટીમ હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવાઈમથક અને નૌકાદળના જહાજો દ્વારા કુલ 137 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. જરૂર પડ્યે વધુ સહાય મોકલવામાં આવશે.સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું કે, શત્રુજીત બ્રિગેડના 118 તબીબી કર્મચારીઓની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ, ભારતીય સેના આપત્તિમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે 60 બેડનું તબીબી સારવાર કેન્દ્ર સ્થાપિત કરશે. તે ટ્રોમા, ઇમરજન્સી સર્જરી અને અન્ય જરૂરી તબીબી સેવાઓ પૂરી પાડશે.આ માનવતાવાદી સહાય ભારતની પડોશી પ્રથમ નીતિ અને વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. દરમિયાન, શુક્રવારે આવેલા 7.7 ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ મ્યાનમારમાં મૃત્યુઆંક 1 હજાર 600 ને વટાવી ગયો છે. સરકારે એક નિવેદનમાં જણાવ્યું કે, 1 હજાર 644 લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 3 હજાર 408 થઈ ગઈ છે, 139 લોકો લાપતા છે.થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં, દસ લોકો મૃત હાલતમાં મળી આવ્યા છે, અને 101 હજુ પણ ગુમ છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.