ઓગસ્ટ 26, 2025 3:16 પી એમ(PM)

printer

ભારે વરસાદને કારણે રાજ્યના 96 જળાશય હાઇએલર્ટ પર

ભારે વરસાદને કારણે રાજ્યના 96 જળાશય હાઇએલર્ટ પર છે, જ્યારે 29 જળાશયોને એલર્ટ પર રખાયા છે. ત્યારે રાજ્યના અનેક જળાશયોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.
નર્મદા બંધમાંથી 43 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે જ્યારે મહેસાણાના ધરોઇ બંધમાંથી આજે 38 હજાર 976 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેનાથી ગાંધીનગરના સંત સરોવરમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા આજે સંત સરોવર પહોંચી અધિકારીઓ સાથે સમીક્ષા કરી.
શ્રી બાવળીયા સંબંધિત અધિકારીઓને નીચાણવાસમાં આવેલા શહેરો-ગામોનો સંપર્ક કરી તેમને સતર્ક કરવા સૂચના આપી.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અમદાવાદના વાસણા બેરેજના 27 દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામા આવી રહ્યું છે. ત્યારે હેઠવાસના સીટી તાલુકાના 19, ધોળકાના 74, દસક્રોઇના 18, બાવળાના નવ, ધંધૂકાના 18 ગામોને પૂરની સંભવિત પરિસ્થિતિ અંગે સાવચેત કરાયાં છે.