જુલાઇ 28, 2025 7:14 પી એમ(PM)

printer

ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવાયા, 4 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા.

ભારે વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધી 691 લોકોને બચાવી લેવાયા છે. જ્યારે 4 હજાર 403 લોકોને સલામત સ્થળે ખસેડાયાં છે. વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 12 ટીમ જ્યારે SDRFની 20 તૈનાત કરવામાં આવી છે. સાર્વત્રિક વરસાદને પગલે 74 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જે બાદમાં પૂર્વવત કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના નાનાં-મોટા 104 જેટલા માર્ગ બંધ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં ઓલન અને મીંઢોળા નદી પર આવેલ વ્યારા જેતવાડી ગામને જોડતા લો લેવલ અને ચીચબરડી અને લખાલી ગામને જોડતા લો લેવલ પુલો બંધ કરાયા છે. ખેડા જિલ્લાનાં મહેમદાવાદ તાલુકાના કેશરા ગામમાં ભારે વરસાદને કારણે તળાવ ઓવરફ્લો થયું હતું. ત્યારે ગામમાં અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો. બીજી તરફ પ્રાથમિક શાળા સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા.
દરમિયાન, ખેડા જિલ્લાના તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થાપન માટે વિસ્તૃત સૂચનાઓ જાહેર કરી બંધ થયેલ રોડ-રસ્તાઓ પૂર્વવત કરવા જરૂરી કાર્યવાહી નિર્દેશ અપાયો છે. આ ઉપરાંત મધ્યાહન ભોજન કેન્દ્રો અને સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો પુરતો જથ્થો રાખવા જણાવાયું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લાના દામા, રામપુરા સહિતના ગામોના ખેતરો બેટમાં ફેરવાયા હતા, જ્યારે કાચા રસ્તાઓપર પાણી ફરી વળતા ખેડૂતો અને પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
પાટણના કાકોશી, મેત્રાણા, ધનાવાડા, મામવાડા ગામના તળાવો છલકાઈ જતા તેના પાણી ગામમાં ફરી વળતા લોકોના ઘર અને ઘરવખરીને નુકસાન થયુ છે.