ભારે વરસાદથી સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ક્યાંક રસ્તાઓ બંધ થયા તો ક્યાંક વરસાદી પાણી ઘર અને રસ્તા પર ફરી વળ્યાના અહેવાલ છે.
જુનાગઢમાં મેંદરડા, વંથલિ અને કેશોદમાં ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના નવ રસ્તા બંધ કરાયા છે, જ્યારે માણાવદર અને વંથલિ તાલુકાના 35 ગામ સંપર્ક-વિહોણા બન્યા છે. નીચાણવાળા 52 ગામને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. માણાવદરમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે.
ભાવનગર જિલ્લાનો શેત્રુંજી બંધ આ મોસમમાં ચોથી વખત 100 ટકા ભરાતા પાલિતાણા અને તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામને સાવચેત કરાયા છે.
ગીરસોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં સતત બે દિવસથી ભારે વરસાદ થતાં જિલ્લા કલેક્ટરે નીચાણવાળા વિસ્તારમાં અને નદી-નાળા પાસે ન જવા લોકોને અપીલ કરી છે. બીજી તરફ, દરિયામાં રહેલી તમામ હોડીઓને તાત્કાલિક અસરથી પરત આવવા સૂચના અપાઈ છે.
દેવભૂમિદ્વારકામાં કલ્યાણપુર પંથક 11 અને દ્વારકા પંથકમાં છ ઇંચ વરસાદ થતા જનજીવનને અસર થઈ છે. ભાટિયા-ભોગાત રાજ્ય ધોરીમાર્ગ કલ્યાણપુર—પોરબંદરને જોડતા રાવલ સૂર્યવાદર રાજ્ય ધોરીમાર્ગ અને લાંબા—હર્ષદ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે
વલસાડમાં ધોધમાર વરસાદ થતા લોકોએ રાહત અનુભવી. જિલ્લામાં બપોરે 12 વાગ્યા સુધીમાં સૌથી વધુ પાંચ ઇંચ જેટલો વરસાદ કપરાડા તાલુકામાં નોંધાયો છે.
તાપીમાં ઉકાઈ બંધ-ના ઉપરવાસ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી લાખો ક્યૂસેક પાણીની આવક થતાં પહેલી વાર ગૅટ ઑપરેશનની કાર્યવાહી હાથ ધરાઈ. બંધ-નું સ્તર જાળવી રાખવા આવક જેટલું જ પાણી બંધના હાઈડ્રૉપાવર સ્ટેશન અને 22 પૈકી નવ દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યું છે.
કચ્છમાં પણ સતત પાંચમા દિવસે વરસાદ વરસી રહ્યો છે.
Site Admin | ઓગસ્ટ 20, 2025 3:13 પી એમ(PM)
ભારે વરસાદથી સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ