ભારત અને રશિયાએ ગઈકાલે સંરક્ષણ, વેપાર, અર્થતંત્ર, આરોગ્યસંભાળ, શિક્ષણ, સંસ્કૃતિ અને મીડિયા સંબધિત ક્ષેત્રોને આવરી લેતા 16 કરારો પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારત-રશિયા મિત્રતા વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે શક્તિ પ્રદાન કરશે અને આ વિશ્વાસ બંને દેશોના સહિયારા ભવિષ્યને વધારશે. તેમણે કહ્યું કે ભારત અને રશિયા આતંકવાદ સામેની લડાઈમાં ખભે ખભો મિલાવીને ઉભા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે બંને પક્ષો શક્ય તેટલી વહેલી તકે યુરેશિયન આર્થિક સંઘ સાથે મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા માટે કામ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે સાંજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સન્માનમાં રાત્રિભોજનનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, શ્રી મુર્મુએ જણાવ્યું હતું કે શ્રી પુતિનની મુલાકાત બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં મહત્વપૂર્ણ છે. રાષ્ટ્રપતિએ ભારત-રશિયા વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે શ્રી પુતિનના સમર્થન અને વ્યક્તિગત પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગઈકાલે રાત્રે પાલમ એરપોર્ટથી રશિયા જવા રવાના થયા, વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમને વિદાય આપી. શ્રી પુતિને પ્રધાનમંત્રી મોદીને 2026માં 24મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું. 23મા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન પછી જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં, બંને નેતાઓએ છેલ્લા શિખર સંમેલન પછી તમામ સ્તરે સંપર્કોમાં સતત વૃદ્ધિ પર સંતોષ વ્યક્ત કર્યો.
Site Admin | ડિસેમ્બર 6, 2025 8:10 એ એમ (AM)
ભારત-રશિયા વચ્ચે સંરક્ષણથી લઈને વેપાર સુધી વિવિધ ક્ષેત્રે 16 કરારો પર હસ્તાક્ષર થયા