ભારત તેના અવકાશ કાર્યક્રમના ૧૦૧મા મિશન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા માટે તૈયાર છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ISRO નું PSLV-C61 રોકેટ આવતીકાલે સવારે ૫ વાગીને ૫૯ મિનિટે શ્રીહરિકોટાના સતીશ ધવન અવકાશ કેન્દ્રથી પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ, EOS-09 ઉપગ્રહ સાથે ઉડાન ભરશે.
આ મિશન હેઠળ, EOS-09 ને સૂર્ય-સમન્વયિત ધ્રુવીય ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. EOS-09 વિવિધ ક્ષેત્રોમાં ઓપરેશનલ એપ્લિકેશનો માટે સતત અને વિશ્વસનીય રિમોટ સેન્સિંગ ડેટા પ્રદાન કરવા માટે બનાવવામાં આવ્યો છે. EOS-09 ઉપગ્રહમાં કૃત્રિમ છિદ્ર રડાર પેલોડ છે જે બધી હવામાન પરિસ્થિતિઓમાં વિવિધ પૃથ્વી નિરીક્ષણ એપ્લિકેશનો માટે છબીઓ મોકલશે. આ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન આજે સવારે શરૂ થયું.