ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વચ્ચે ઉચ્ચસ્તરીય બેઠક બાદ, ભારત અને જર્મનીએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી હતી.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને જર્મની ફક્ત આર્થિક ભાગીદારો નથી, પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. સંબંધોની મજબૂતાઈ પર ભાર મૂકતા, શ્રી મોદીએ નોંધ્યું કે બંને દેશો વચ્ચેનો વેપાર 50 બિલિયન ડોલરને વટાવી ગયો છે.
તેમણે કહ્યું કે ભારત-જર્મની ભાગીદારી “ભવિષ્યલક્ષી” છે, ખાસ કરીને ગ્રીન એનર્જી અને અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
તેમણે ભાર મૂક્યો કે બંને દેશો આતંકવાદ સામેની લડાઈમાં એક છે, જેને તેમણે “સમગ્ર માનવતા માટે ગંભીર ખતરો” ગણાવ્યો.
સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને મજબૂત બનાવવા માટે, બંને દેશોએ સહ-વિકાસ અને સહ-ઉત્પાદન પર કેન્દ્રિત એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. જર્મન ચાન્સેલર મેએત્સેએ કહ્યું જર્મની ભારતને તેની સંરક્ષણ નિર્ભરતાને વૈવિધ્યીકરણ કરવામાં મદદ કરશે.
બંને નેતાઓએ વધુ વિકાસ માટે ભારત-યુરોપીયન સંઘ મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. દરમિયાન સહિયારા સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરતા, લોથલમાં રાષ્ટ્રીય મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વૈશ્વિક મુદ્દાઓ પર, પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર મેએત્સે યુક્રેનની પરિસ્થિતિ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારાની તાત્કાલિક જરૂરિયાત પર ચર્ચા કરી. ચાન્સેલર મેએત્સે ઈરાનમાં માનવ અધિકારોની સ્થિતિ પર પણ વાત કરી, અને શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓના રક્ષણ માટે હાકલ કરી. બંને નેતાઓએ સુરક્ષિત સપ્લાય ચેઇન અને સ્થિર આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બનાવવા માટે તેમની મજબૂત પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.
Site Admin | જાન્યુઆરી 12, 2026 3:14 પી એમ(PM)
ભારત અને જર્મનીએ સંરક્ષણ, વેપાર અને ટેકનોલોજી સહિત અનેક પહેલોની જાહેરાત કરી.