જાન્યુઆરી 12, 2026 8:18 પી એમ(PM)

printer

ભારત અને જર્મનીએ વચ્ચે 19 મહત્વના સમજૂતી કરાર કર્યા અને આઠ મહત્વની જાહેરાત કરી

ગાંધીનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે વચ્ચે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળની વાટાઘાટો બાદ વ્યૂહાત્મક ભાગીદારીની 25મી વર્ષગાંઠ સાથે થયેલી આ મુલાકાતમાં ભારત અને જર્મનીએ દ્વિપક્ષીય ભાગીદારીને વધુ ગાઢ બનાવતાં સંરક્ષણ, ટેકનોલોજી અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રોમાં 19 સમજૂતી કરાર અને આઠ મુખ્ય જાહેરાત કરી.
પ્રધાનમંત્રી અને ચાન્સેલર મેએત્સે આગામી યુરોપિયન સંઘ ભારત સમિટના મુખ્ય પરિણામ તરીકે ભારત-યુરોપિયન સંઘ મુક્ત વેપાર કરાર પૂર્ણ કરવા માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેએત્સે સંકેત આપ્યો કે યુરોપિયન યુનિયન અને ભારત આ મહિનાના અંત સુધીમાં મુક્ત વેપાર કરાર પૂર્ણ કરી શકે છે.
આ મુલાકાતમાં બંને દેશ વચ્ચે સેમિકન્ડક્ટર, મહત્વપૂર્ણ ખનિજ સહયોગ, ટેલિકોમ્યુનિકેશન અને સંરક્ષણ ઔદ્યોગિક સહકાર વ્યૂહરચનાથી લઈને લશ્કરી હાર્ડવેરના સહ-વિકાસ અને સહ-ઉત્પાદન સુધીના ક્ષેત્રો પર ધ્યાન આપી અનેક સંયુક્ત ઉદ્દેશ્ય ઘોષણાપત્રો પર હસ્તાક્ષર થયા. બંને દેશોએ પ્રતિભા, ગતિશીલતા અને કૌશલ્ય સહયોગ પર વિશેષ ધ્યાન આપ્યું. આ મુલાકાતનો મુખ્ય મુદ્દો જર્મનીમાંથી પસાર થતા ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત પરિવહન સુવિધાની જાહેરાત હતી.
બંને નેતાઓએ આર્થિક મોરચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય કાર્યકારી અધિકારી ફોરમની સ્થાપનાનું સ્વાગત કર્યું. પર્યાવરણીય ટકાઉપણા માટે, જર્મનીએ “ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ” હેઠળ 1.24 બિલિયન યુરોની નવા ભંડોળની જાહેરાત કરી, જે PM ઈ-બસ સેવા અને ગ્રીન હાઇડ્રોજન જેવા પ્રોજેક્ટ્સને ટેકો આપશે.
બંને નેતાઓએ ગ્રીન ટેકનોલોજી, નવીનતા અને આબોહવા કાર્યવાહીમાં સહયોગ વધારવા માટે ભારત-જર્મની સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવાના નિર્ણયની પણ જાહેરાત કરી. તેમણે ભારતના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ સૌથી મોટા ઓફટેક કરાર પર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું, જેના હેઠળ AM ગ્રીન યુનિપર ગ્લોબલ કોમોડિટીઝને ગ્રીન એમોનિયાનો પુરવઠો પૂરો પડાશે. સાંસ્કૃતિક ક્ષેત્રે, જર્મન મેરીટાઇમ મ્યુઝિયમના સહયોગથી લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વધુમાં, બંને દેશો વચ્ચે સંસ્થાકીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ પર એક વ્યાપક રોડમેપનું આદાનપ્રદાન કરવામાં આવ્યું. આ મુલાકાત રમતગમત અને યુવાનો પર ખાસ ભાર મૂકીને પૂર્ણ થઈ, જેમાં યુવા હોકીના વિકાસ માટે એક નવા કરાર પર હસ્તાક્ષરનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.