ભારતે ચીનના છિંગદાઓમાં શાંઘાઈ સહકાર સંગઠન- S.C.O.ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાથી ઈનકાર કરી દીધો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું, ભારત સંયુક્ત દસ્તાવેજની ભાષાથી સંતુષ્ટ નથી. આ દસ્તાવેજમાં સરહદ પાર આતંકી પ્રવૃત્તિઓનો કોઈ ઉલ્લેખ નથી.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ દ્વારા સંયુક્ત ઘોષણાપત્રનું સમર્થન આપવાનો ઈનકાર કર્યો હોવાથી સંમેલન સંયુક્ત જાહેરાત વગર પૂર્ણ થઈ. S.C.O. ચાર્ટર મુજબ, સંગઠન મતદાન વિના સર્વસંમતિથી નિર્ણયો લે છે અને જો કોઈ સભ્ય દેશ વાંધો ન ઉઠાવે તો તેને અપનાવવામાં આવે છે.
આ પહેલા શ્રી સિંઘે આતંકવાદ, કટ્ટરવાદ અને ચરમપંથવાદ વિરુદ્ધ સંકલિત વૈશ્વિક કાર્યવાહીનું આહ્વાન કર્યું. શ્રી સિંઘે તેને પ્રાદેશિક શાંતિ અને વિશ્વાસ માટે સૌથી મોટું જોખમ ગણાવ્યું. ચીનના છિંગદાઓમાં S.C.O.ના સંરક્ષણ મંત્રીઓની બેઠકને સંબોધતા શ્રી સિંઘે કહ્યું, શાંતિ અને સમૃદ્ધિ આતંકવાદ સાથે ન આવી શકે. ઑપરેશન સિંદૂરથી ભારતે બતાવી દીધું છે કે, આતંકવાદનું કેન્દ્ર હવે સુરક્ષિત નથી અને ભારત તેને નિશાન બનાવવામાં નહીં ખચકાય.
Site Admin | જૂન 26, 2025 7:43 પી એમ(PM)
ભારતે S.C.O.ના સંરક્ષણ મંત્રીઓની બેઠકમાં સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કરવાથી ઈનકાર કર્યો.