જૂન 28, 2025 8:33 એ એમ (AM)

printer

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પર કહેવાતી મધ્યસ્થી અદાલતના નિર્ણયને નકાર્યો

ભારતે જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પર કહેવાતી મધ્યસ્થી અદાલતના નિર્ણયને નકારી કાઢ્યો છે. મંત્રાલયે કહ્યું કે ભારતે ક્યારેય આ મધ્યસ્થી અદાલતની કાયદેસર માન્યતાને માન્ય રાખી નથી અને તેની રચના સિંધુ જળ સંધિનું ગંભીર ઉલ્લંઘન છે.મંત્રાલયે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે અને ભારત હવે સંધિ હેઠળ કોઈપણ જવાબદારી પૂર્ણ કરવા માટે બંધાયેલું નથી. સરહદ પાર આતંકવાદને પાકિસ્તાનના સમર્થનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મંત્રાલયે કહ્યું કે કોઈપણ મધ્યસ્થી અદાલતને ભારતના સાર્વભૌમ નિર્ણય પર સવાલ ઉઠાવવાનો અધિકાર નથી. વિદેશ મંત્રાલયે કહ્યું કે તાજેતરનો ઘટનાક્રમ પાકિસ્તાનના ઇશારે થયો છે અને તે આતંકવાદના વૈશ્વિક કેન્દ્ર તરીકે પાકિસ્તાનની ભૂમિકા પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાન દ્વારા આ મધ્યસ્થી પદ્ધતિનો આશરો લેવો એ આંતરરાષ્ટ્રીય મંચોનો દુરુપયોગ કરવાની તેની દાયકાઓ જૂની ટેવનો એક ભાગ છે.