જાન્યુઆરી 19, 2026 8:15 એ એમ (AM)

printer

ભારતીય પ્રતિનિધિમંડળની ઉપસ્થિતિમાં સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે આજથી વિશ્વ આર્થિક મંચની બેઠક

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે આજથી વિશ્વ આર્થિક મંચની બેઠક શરૂ થશે. ૫૬મી વાર્ષિક બેઠકમાં ત્રણ હજારથી વધુ વૈશ્વિક નેતાઓ ભાગ લઈ રહ્યા છે. વિશ્વ આર્થિક મંચ, સ્વિસ સરકાર તથા સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર સુરક્ષા વ્યવસ્થામાં આશરે 90 લાખ સ્વિસ ફ્રાન્ક ખર્ચ થવાનો અંદાજ છે. વિશ્વ આર્થિક મંચનો મુખ્ય વિષય ‘સ્પિરિટ ઓફ ડાયલોગ’ (Spirit of Dialogue) છે. તેનું નેતૃત્વ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે. આ ઉપરાંત સંમેલનમાં રાષ્ટ્રો કે સરકારોના 64 થી વધુ પ્રમુખો, જી-7 (G7) દેશોના નેતાઓ, ચીન અને પાકિસ્તાનના નેતાઓ પણ ભાગ લે તેવી અપેક્ષા છે. આ સંમેલનમાં ભારતની પણ મજબૂત ઉપસ્થિતિ હશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) ના પ્રમુખ ક્રિસ્ટાલિના જ્યોર્જીવા અને વિશ્વ બેંકના અધ્યક્ષ અજય બંગા, યુક્રેન અને ગાઝા સહિત વિશ્વના મુખ્ય પડકારો પર ચર્ચા કરશે.ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ભાગ લેવા દાવોસ જઈ રહ્યા છે. બેઠકમાં ‘વિકસિત ગુજરાત’નો રોડમેપ અને મજબૂત ઇન્ડસ્ટ્રિયલ લેગેસી રજૂ કરાશે તેમ શ્રી સંઘવીએ જણાવ્યું હતું.