ભારતીય નૌકાદળે આજે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે માહે-ક્લાસ એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટના પ્રથમ જહાજ, INS માહેને કમિશન કર્યું. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મુખ્ય અતિથિ તરીકે સમારોહની અધ્યક્ષતા કરી.. આ જહાજની વિશેષતા એ છે કે છિછરા પાણીમાં પણ ઉત્તમ કામગીરી બજાવી શકે છે.
કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ, INS માહે આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ દેશના શિપબિલ્ડિંગ ઇકોસિસ્ટમની વધતી જતી ક્ષમતાઓ પ્રદર્શિત કરે છે. 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રી સાથે, આ યુદ્ધ જહાજ ડિઝાઇન, બાંધકામ અને સિસ્ટમ એકીકરણમાં રાષ્ટ્રની તકનીકી પ્રગતિને પ્રતિબિંબિત કરે છે.
આ કાર્યક્રમમાં બોલતા, જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ભાર મૂક્યો કે સશસ્ત્ર દળોની સાચી તાકાત સિનર્જીમાં રહેલી છે. તેમણે કહ્યું કે, સંકલન અને એકીકરણના મુખ્ય ઉદેશ સાથે ભારતીય સૈન્ય આજની માંગ અનુસાર સુધારાઓ કરી રહી છે.
તેમણે કહ્યું કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં આતંકવાદી માળખાને નિશાન બનાવતી દેશની લશ્કરી કાર્યવાહી, ઓપરેશન સિંદૂર, સશસ્ત્ર દળો વચ્ચેના સંકલનનુ ઉત્તમ ઉદાહરણ હતું. તેમણે કહ્યું કે સમુદ્રના ઊંડાણથી દેશની સર્વોચ્ચ સરહદો સુધી કાર્યવાહી કરવાની દેશની ક્ષમતા તેના સુરક્ષા પ્રભાવને દર્શાવે છે.
Site Admin | નવેમ્બર 24, 2025 2:23 પી એમ(PM)
ભારતીય નૌકાદળે માહે-ક્લાસ એન્ટિ-સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટના પ્રથમ જહાજ, INS માહેને કમિશન કર્યું