ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગઈકાલે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પ્રથમ એક દિવસીય વિશ્વ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ, ભારતે 2025 મહિલા વિશ્વ કપ ફાઇનલમાં ગઇકાલે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવી આ ઇતિહાસ રચ્યો છે.ડી.વાય.પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ફાઇનલમાં, ભારતે પ્રથમ બેટિંગ કરતાં સાત વિકેટે 298 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. શેફાલી વર્માએ 78 બોલમાં 87 અને દીપ્તિ શર્માએ 58 બોલમાં 58 રન બનાવ્યા હતા.શેફાલીએ સ્મૃતિ મંધાના સાથે 106 રનની ઓપનિંગ ભાગીદારી અને જેમીમા રોડ્રિગ્સ સાથે 62 રનની ભાગીદારી સાથે ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી. દક્ષિણ આફ્રિકા માટે આયાબોંગા ખાકાએ 58 રનમાં ત્રણ વિકેટ લીધી.299 રનના લક્ષ્યનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી, પરંતુ કેપ્ટન લૌરા વોલ્વાર્ડે 98 બોલમાં 101 રનની શાનદાર સદી ફટકારીને ટીમને સ્પર્ધામાં રાખી. દીપ્તિ શર્માએ પાંચ, જ્યારે શેફાલી વર્માએ બે મહત્વપૂર્ણ વિકેટ લીધી. આફ્રિકન ટીમ 45.3 ઓવરમાં 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 52 રનથી મેચ જીતી લીધી હતી.શેફાલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી, જ્યારે દીપ્તિ શર્માએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા ટીમ ઇન્ડિયાને શાનદાર જીત બદલ અભિનંદન આપ્યા. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ મહિલા ક્રિકેટને વધુ ઊંચાઈએ લઈ જશે. ખેલાડીઓના દૃઢ નિશ્ચય અને પ્રેરણાદાયી પ્રદર્શનની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે છોકરીઓએ ભારતને ગૌરવ અપાવ્યું છે.પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં તેને એક અદ્ભુત વિજય ગણાવ્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ટીમને અભિનંદન આપતા કહ્યું કે મહિલા ક્રિકેટરોએ સમગ્ર રાષ્ટ્રના દિલ જીતી લીધા છે. અમિત શાહે પણ ટીમને અભિનંદન આપ્યા અને તેને દેશ માટે એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાવી. દેશભરમાં આ વિજયની ઉજવણી મોડીરાત સુધી થઇ હતી ક્રિકેટ રસિકોએ ફટાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી.
Site Admin | નવેમ્બર 3, 2025 9:27 એ એમ (AM)
ભારતીય નારી શક્તિનો ડંકો, વિશ્વકપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટીમ ઇન્ડિયાએ મહિલા વિશ્વ કપ જીત્યો – દેશભરમાં ઉજવણી