જુલાઇ 14, 2025 7:44 પી એમ(PM)

printer

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના ચાલકદળનાં અન્ય ત્રણ સભ્યોની પૃથ્વી પર ફરવાની યાત્રા શરૂ

ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને એક્સિઓમ-4 મિશનના ચાલક દળનાં અન્ય ત્રણ સભ્યોની પરત ફરવાની યાત્રા આજે સાંજે શરૂ થઈ છે. સ્પેસએક્સ કંપનીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ x પર પુષ્ટિ કરી હતી કે અવકાશયાન ડ્રેગન આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી અલગ થઈ ગયું છે.
અવકાશયાન કેટલાંક તબક્કા બાદ પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ કરશે અને લગભગ 22.5 કલાકની મુસાફરી બાદ આવતીકાલે ભારતીય સમય પ્રમાણે બપોરે ત્રણ કલાકે કેલિફોર્નિયાના દરિયાકાંઠે ઉતરાણ કરશે. ઉતરાણ પછી, ગ્રુપ કેપ્ટન શુક્લા ચાલક દળના અન્ય સભ્યો સાથે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ સાથે અનુકૂલન સાધવા માટે ફ્લાઇટ સર્જનની દેખરેખ હેઠળ 7-દિવસીય પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થશે.
ગ્રુપ કેપ્ટન શુક્લા આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના 14 દિવસના મિશન પર છે. તેઓ આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને 1984માં અવકાશમાં ગયેલા વિંગ કમાન્ડર રાકેશ શર્મા પછી બીજા ભારતીય અવકાશયાત્રી બન્યા છે.
ગ્રુપ કેપ્ટન શુક્લાએ અવકાશમાં ભારતને લગતાં સાત પ્રયોગો કર્યા હતા. એક્સિઓમ-4 મિશને 26 જૂને અવકાશ મથક માટે ઉડાન ભરી હતી.