ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ આજે ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન આજે સાંજે સાડા પાંચ વાગ્યે મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.
ગઈકાલે સર્વસંમતિથી બીજેપી વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ શ્રી ફડણવીસ તેમના સાથીદારો શિવસેના પ્રમુખ એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવાર સાથે રાજ્યપાલને મળ્યા હતા. રાજ્યપાલે તેમને નવી સરકાર રચવા આમંત્રણ આપ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે. શ્રી ફડણવીસે મહારાષ્ટ્રની જનતા માટે કામ કરવા વચન આપતાં આ મુજબ જણાવ્યું હતું.
(બાઇટ – દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્ર મુખ્યમંત્રી)
શ્રી ફડણવીસે કહ્યું કે શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ઉપરાંત તેમને રાષ્ટ્રીય સમાજ પક્ષ, જન સૂરાજ પાર્ટી, યુવા સ્વાભિમાન પક્ષના રવિ રાણા અને અન્ય બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના શ્રેષ્ઠ દેખાવનો શ્રેય શ્રી ફડણવીસને આપવામાં આવ્યો છે. રાજ્યમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 132 બેઠકો પર જીત મેળવી છે.