ઓગસ્ટ 10, 2025 7:39 એ એમ (AM)

printer

ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે 14 આદિજાતિ જિલ્લામાં 2 હજાર 500 જેટલા વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું, દેશની સંસ્કૃતિ અને સ્વતંત્રતાના રક્ષણમાં સેંકડો વર્ષ સુધી આદિવાસીઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષના ઉપલક્ષ્યમાં સુરતના માંડવી ખાતે યોજાયેલા સમારોહમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યુ. આ પ્રસંગે તેમણે રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓમાં કુલ 480 કરોડના 2 હજાર 500 જેટલા વિવિધ વિકાસ કામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત આદિવાસી વિભાગના વિવિધ યોજનાઓના સવા કરોડ રૂપિયાના લાભ સહાયનું વિતરણ અને એક કરોડની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એનાયત કરી હતી. સમારોહ દરમિયાન શ્રી પટેલે આદિજાતિ કલ્યાણ માટે સરકારની કામગીરીની વિગતો આપી.
શ્રી પટેલે કહ્યું, માનગઢમાં ગોવિંદગુરુ શહીદ વન, પાલદઢ વાવમાં વિરાંજલી વન તેમજ આદિવાસી સમાજનાં આસ્થા કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે.
નવસારી જિલ્લાના વાંસદા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આદિજાતીના 10 લાભાર્થીઓને 9 લાખથી વધુ રૂપિયાની વિવિધ સહાય, લાભો વિતરણ કરવા સહિત 12 નાગરિકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.
આદિજાતિ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે, પંચમહાલ જિલ્લાના મોરા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ અને જન જાતીય ગૌરવ વર્ષની ઉજવણી પ્રસંગે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ હોવાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ રોજગાર અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે…
પંચમહાલ જિલ્લાના અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે આ પ્રસંગે 658 લાખ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાનાં સિદ્ધપુર ખાતે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે ભગવાન બિરસા મુંડાની બહાદૂરી અને આદિવાસી હિત માટેના તેમના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને આ નિમિત્તે સિદ્ધપુર ભીલવાસ ખાતેથી આયોજિત ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
તાપી જિલ્લાના વ્યારા ખાતે મંત્રી શ્રી મુકેશ પટેલની ઉપસ્થિતિમાં
વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પાંચ કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનુ લોકાર્પણ મંત્રી શ્રી દ્વારા કરાયું હતું.
મહીસાગર જિલ્લાના સંતરામપુર આઝાદ મેદાન ખાતે પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાદી દિવસની ઉજવણી દરમ્યાન, વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ ઉપરાંત આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યા હતા.