નવેમ્બર 1, 2025 7:46 પી એમ(PM)

printer

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપરિત હવામાનની પરિસ્થિતિ હોવા છતાં પણ ચૂંટણી પ્રચાર તેજ

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વિપરિત હવામાનની પરિસ્થિતિ હોવા છતાં પણ ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે.
ગોપાલગંજમાં વર્ચ્યુઅલી ચૂંટણી રેલીને સંબોધતા, ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોના હિતમાં કામ કરી રહી છે. NDA ના ચૂંટણી ઢંઢેરામાં બિહારને વધુ વિકસિત બનાવવા અને ખેડૂતો અને મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે.
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સિવાનમાં વર્ચ્યુઅલી ચૂંટણી રેલીને સંબોધિત કરી. તેમણે કહ્યું કે RJD-કોંગ્રેસનું શાસન બિહાર માટે અંધકાર યુગ હતું.
વૈશાલી જિલ્લાના જંડાહામાં એક જાહેર સભાને સંબોધતા જનતા દળ (યુનાઇટેડ) ના પ્રમુખ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે ગરીબ અને સામાજિક રીતે નબળા વર્ગોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તો બેગુસરાયના બછવાડામાં પોતાની પહેલી ચૂંટણી રેલીને સંબોધતા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વીસ વર્ષના શાસનમાં નીતિશ કુમાર સરકારે બિહારને સ્થળાંતર સિવાય કંઈ આપ્યું નથી.
સિવાન જિલ્લાના રઘુનાથપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા, મહાગઠબંધનના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તેજસ્વી પ્રસાદ યાદવે પટણા જિલ્લાના મોકામાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ચૂંટણી હિંસાની ઘટનાઓ છતાં વહીવટીતંત્ર મૂક પ્રેક્ષક બની રહ્યું છે.