ઓક્ટોબર 13, 2025 7:36 એ એમ (AM)

printer

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું – પ્રધાનમંત્રી બુધવારે બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે

બિહારમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. આ સાથે 20 જિલ્લાઓમાં 122 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થશે.બીજા તબક્કા માટે ઉમેદવારી પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ 20 ઓક્ટોબર છે. ઉમેદવારી પત્ર ચકાસણી 21 ઓક્ટોબરે થશે અને ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખ 23 ઓક્ટોબર છે. આ તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે યોજાશે. સવારે 11થી બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર દાખલ કરી શકાશે.
ચૂંટણી પંચે કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરી છે. 243 સભ્યોની બિહાર વિધાનસભા ચૂંટણીના બંને તબક્કા માટે મતગણતરી 14 નવેમ્બરે થશે. વિધાનસભા ચૂંટણીમાં કુલ 7.42 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.બીજા તબક્કામાં, પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, શિવહર, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર જિલ્લામાં મતદાન યોજાશે. આ ઉપરાંત ભાગલપુર, બાંકા, જમુઈ, નવાદા, ગયા, ઔરંગાબાદ, જહાનાબાદ, અરવાલ, કૈમુર અને રોહતાસ જિલ્લામાં પણ મતદાન થશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે બિહારમાં બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ પાર્ટી કાર્યકરોને “મેરા બૂથ સબસે મજબૂત” અભિયાનમાં જોડાવા અને તેમના સૂચનો રજૂ કરવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ કેટલાક પાર્ટી કાર્યકરો સાથે તેમના સૂચનો વિશે સીધી વાત પણ કરશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.