લોકસભામાં આજે બંધારણ પર બે દિવસની ચર્ચા શરૂ થઈ છે. ભારતીય બંધારણના સ્વીકારના 75 વર્ષ નિમિત્તે આ ચર્ચા કરવામાં આવી રહી છે. ચર્ચા માટે 12 કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. આજે સત્રના પ્રારંભમાં પ્રશ્નકાળ બાદ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ચર્ચાની શરૂઆત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે બે દિવસીય ચર્ચા પર પોતાનો પ્રતિભાવ રજૂ કરે તેવી સંભાવના છે. ચર્ચા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે રણનીતિ બેઠક યોજી હતી. આ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યસભામાં બંધારણ પર 16 અને 17 ડિસેમ્બર ચર્ચા થશે. સંસદના શિયાળુ સત્રમાં બંધારણ પર ચર્ચા વિરોધ પક્ષોની મુખ્ય માંગ રહી છે. ભારતીય બંધારણ સભાએ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને મંજૂરી આપી હતી અને 26 જાન્યુઆરી 1950થી તેનો અમલ થયો હતો. વર્ષ 2015માં, નરેન્દ્ર મોદી સરકારે 1949માં ભારતીય બંધારણની મંજૂરીના સન્માનમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.
Site Admin | ડિસેમ્બર 13, 2024 2:04 પી એમ(PM)
બંધારણ સ્વીકારની 75મી વર્ષગાંઠ પર લોકસભામાં ચર્ચાનો પ્રારંભ
