માર્ચ 6, 2025 2:20 પી એમ(PM)

printer

પ્રવાસનને વેગ મળતાં આ દાયકો ઉત્તરાખંડનો હશે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ઉત્તરાખંડના પ્રવાસે છે. મુખવામાં એક જનસભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, “આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે.” શ્રી મોદીએ ઉત્તરાખંડ સરકારના 365 દિવસના વિઝનની પ્રશંસા કરતા કહ્યું, આના કારણે આખું વર્ષ રાજ્યને પ્રવાસનથી રોજગારી મળશે.

શ્રી મોદીએ ઉદ્યોગ ક્ષેત્રના લોકોને, વિદ્યાર્થીઓને શિયાળાના પ્રવાસ દરમિયાન ઉત્તરાખંડની મુલાકાત લેવા અપીલ કરી હતી.

શ્રી મોદીએ ઉમેર્યું, કેન્દ્રીય મંત્રીમંડળે કેદારનાથ રોપ-વૅ પરિયોજના અને હેમકુંડ રોપ-વૅ પરિયોજનાને મંજૂરી આપી છે. આ રોપ-વૅ બન્યા બાદ આઠથી નવ કલાકમાં પૂરી થતી યાત્રા હવે અંદાજે 30 મિનિટમાં પૂરી થશે. તેનાથી વરિષ્ઠ નાગરિકો, બાળકો માટે કેદારનાથ યાત્રા સરળ બનશે.
આ પહેલા શ્રી મોદીએ હર્ષિલથી ત્રણ કિલોમીટર દૂર ગંગાના શિયાળું પ્રવાસનસ્થળ મુખવામાં, મા ગંગાની પૂજા-અર્ચના કરી હતી. દરમિયાન ગ્રામજનોએ ઉત્તરાખંડના પરંપરાગત નૃત્યથી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ શ્રી મોદીએ મુખવામાં ટ્રૅક અને બાઈક રેલીને લીલીઝંડી આપી હતી.