પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ ગત બે વર્ષમાં રાજ્યના એક લાખ 81 હજારથી વધુ કારીગરને તાલીમ અપાઈ છે. અત્યાર સુધી પરંપરાગત કારીગરો માટે 390 કરોડ રૂપિયાથી વધુનું ધિરાણ મંજૂર કરાયું છે. જ્યારે 32 હજારથી વધુ કારીગરોને 290 કરોડ રૂપિયાથી વધુના ધિરાણનું વિતરણ કરાયું હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
પરંપરાગત કારીગરોને સક્ષમ બનાવવા અને તેમની કળાને વૈશ્વિક ઓળખ આપવાના ઉદ્દેશથી શરૂ થયેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાથી રાજ્યના કારીગરોની ક્ષમતા, કૌશલ્ય અને આર્થિક પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં બે લાખ 14 હજારથી વધુ કારીગરોની ત્રણ સ્તરની ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઉપરાંત, કારીગરોના પ્રશ્નોના ત્વરિત સમાધાન માટે રાજ્ય-એ વિશિષ્ટ હૅલ્પડૅસ્કની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે. તેના થકી અત્યાર સુધીમાં કારીગરોની 17 હજાર 500થી વધુ મુશ્કેલીઓ અને મૂંઝવણનો ઉકેલ લવાયો છે.