પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આરોગ્યથી લઇને સામાજિક સુરક્ષા સુધી દેશ તમામ ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધન કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠનનાં એ અહેવાલનો ઉલ્લેખ કર્યો જેમાં જણાવવામાં આવ્યું છે કે, દેશની 64 ટકાથી વધુ વસ્તી અને 95 કરોડ લોકોને કોઇને કોઇ સામાજિક સુરક્ષાનો લાભ મળી રહ્યો છે.
શ્રી મોદીએ વિશ્વ આરોગ્ય સંગઠનનાં અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો જેમાં ભારતને આંખોનાં રોગ ‘ટ્રાકોમા’થી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાન વિશે પણ વાત કરી હતી, જેમાં લાખો વૃક્ષો રોપવાનું લક્ષ્ય છે. તેમણે કહ્યું કે, આ અભિયાનનું એક વિશેષ પાસું સિંદૂર વન છે, જે ઓપરેશન સિંદૂરના શૂરવીર જવાનોને સમર્પિત જંગલ છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ વિશે પણ વાત કરી જે ભારત માટે એક નવું ભવિષ્ય બનાવી રહ્યું છે કારણ કે આજે દેશની મહિલાઓ ફક્ત પોતાના માટે જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે એક નવી દિશા આપી રહી છે.
શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં ગયેલા ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આસામમાં બોડોલેન્ડ ફુટબોલ ક્ષેત્રમાં નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે અને દેશનાં રમતગમત ક્ષેત્રમાં ઝડપથી ઊભરી રહ્યું છે.
Site Admin | જૂન 29, 2025 7:16 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ મન કી બાત કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટરમાં ગયેલા ભારતના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનો ઉલ્લેખ કર્યો
