જૂન 16, 2025 7:55 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત-સાયપ્રસ ભાગીદારીનાં મૂળમાં સહિયારા લોકશાહી મૂલ્યો અને કાયદાનું શાસન છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત-સાયપ્રસ ભાગીદારીને સહિયારા લોકશાહી મૂલ્યો અને કાયદાના શાસનમાં મજબૂત રીતે મૂળ ધરાવતી હોવાનું વર્ણવ્યું છે. તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચેની મિત્રતા સંજોગો અથવા સરહદો દ્વારા મર્યાદિત નથી, પણ તે સમયની કસોટી પર ટકી રહી છે. શ્રી મોદીએ આજે નિકોસિયામાં રાષ્ટ્રપતિ મહેલમાં સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ પત્રકારોને સંબોધન કરતી વખતે આ વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચે આગામી પાંચ વર્ષમાં ભાગીદારીના ભવિષ્યને આકાર આપવા માટે એક રોડમેપ બનાવવામાં આવશે.
પ્રધાનમંત્રીએ પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા સંઘર્ષો પર પણ સહિયારી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સંઘર્ષની અસર આ બે પ્રદેશોથી પણ ઘણી આગળ સુધી ફેલાયેલી છે.
બંને પક્ષો આ ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિને આગળ વધારવા માટે ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરના મહત્વ પર સંમત થયા હતા.
પ્રધાનમંત્રીએ સરહદ પારના આતંકવાદ સામેની ભારતની લડાઈમાં સાયપ્રસનો આભાર માન્યો હતો.
પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો દરમિયાન, બંને નેતાઓએ ભારત-સાયપ્રસ સંબંધોના સંપૂર્ણ વિસ્તારને આવરી લેતી વ્યાપક ચર્ચાઓ કરી હતી. તેમણે સંરક્ષણ, સુરક્ષા, ટેકનોલોજી, આરોગ્ય સંભાળ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને આબોહવા ન્યાયના ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરી હતી.
અગાઉ, શ્રી મોદીએ રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ દરમિયાન સાયપ્રસના રાષ્ટ્રપતિએ તેમને સાયપ્રસ પ્રજાસત્તાકના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ માકારિયોસ III ‘એનાયત કર્યો હતો. આ અંગે આભાર વ્યક્ત કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે, આ ભારતના 1.4 અબજ લોકો માટે સન્માનની વાત છે.
સાયપ્રસની સફળ મુલાકાત બાદ શ્રી મોદી કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નીના આમંત્રણ પર G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા જવા રવાના થયા હતા. G7 સમિટ પછી, પ્રધાનમંત્રી મોદી ક્રોએશિયાની મુલાકાતે જશે.