પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે ગુજરાતના અમદાવાદ પહોંચ્યા હતા. મોડી સાંજે અમદાવાદ વિમાન મથકે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યુ હતું. પ્રધાનમંત્રી આજે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમ જ આઠ હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
શ્રી મોદી આજે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાનાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ તેઓ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો- રિ-ઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે. કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોષી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સહિતના મહાનુભાવો સત્રમાં ઉપસ્થિત રહેશે.
કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રાલય દ્વારા યોજાયેલા આ સંમેલન અને પ્રદર્શનમાં નવીનીકરણ ઊર્જા નિર્માણ અને વિતરણમાં ભારતની પ્રગતિને દર્શાવાશે. શ્રી મોદી બપોરે દોઢ વાગ્યાની આસપાસ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનો આરંભ કરાવશે અને સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીની સવારી કરશે. પ્રધાનમંત્રી અમદાવાદમાં જીએમડીસી મેદાન ખાતે 8 હજાર કરોડ રૂપિયાથી વધુનાં ખર્ચની વિવિધ વિકાસકાર્યોનું પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
આકાશવાણીનાં સંવાદદાતાનાં અહેવાલ મુજબ, આ ત્રણ દિવસના કાર્યક્રમમાં 40થી વધુ સત્ર અને નવીનધિરાણ, ગ્રીન હાઈડ્રોજન અને ભવિષ્યના ઊર્જા ઉકેલ અંગે વિશેષ ચર્ચા કરાશે. આ કાર્યક્રમમાં 140 દેશના લગભગ 25 હજાર પ્રતિનિધિ ઉપસ્થિત રહેવાની શક્યતા છે. જર્મની, ઑસ્ટ્રેલિયા, ડેનમાર્ક અને નોર્વે આ પ્રદર્શનમાં ભાગીદાર દેશ તરીકે ભાગ લઈ રહ્યા છે. જ્યારે આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્ય ભાગીદાર રાજ્ય તરીકે ભાગ લેશે.
આ પ્રદર્શન જે રિ-ઇન્વેસ્ટ મીટની બાજુમાં યોજાશે. જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ, સ્ટાર્ટ-અપ્સ અને મોટા ઉદ્યોગ ખેલાડીઓ તરફથી નવીનીકરણીય ઊર્જામાં અદ્યતન નવીનતાઓ પ્રદર્શિત કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 18મી સપ્ટેમ્બરે આ મીટના વિશેષ સત્રમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને આવતીકાલે સવારે ઓડિશા જવા રવાના થશે.