પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન, અને શિલાન્યાસ કર્યા. આ પ્રોજેક્ટ્સમાં ઉદ્યોગ, પાવર ટ્રાન્સમિશન, રસ્તાઓ, રેલ્વે, સંરક્ષણ ઉત્પાદન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિતના મુખ્ય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. કુર્નૂલમાં એક સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ સ્વચ્છ ઉર્જા અને વીજળીની પહોંચમાં ભારતની ઝડપી પ્રગતિ પર પ્રકાશ પાડ્યો. તેમણે નોંધ્યું કે વીજળી હવે દરેક ગામમાં પહોંચી ગઈ છે અને માથાદીઠ વીજળીનો વપરાશ વધીને ૧,૪૦૦ યુનિટ થયો છે. તેમણે ભાર મૂક્યો કે આવી સિદ્ધિઓ ઊર્જા ક્ષેત્રમાં નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. પ્રસંગે તેમણે આંધ્રપ્રદેશને એનર્જિ રિવોલ્યુશન માટે દેશનું એક મોટું કેન્દ્ર ગણાવ્યું હતું.
શ્રી મોદીએ GST સુધારાઓને કારણે રાજ્યમાં 8 હજાર કરોડ રૂપિયાથી વધુની બચત થવાની સંભાવના દર્શાવતા કહ્યું કે આ બચત તહેવારોની મોસમમાં વધારો કરશે અને GST બચત ઉત્સવ ઉજવવા માટે પ્રોત્સાહિત કરશે.
આંધ્રપ્રદેશના ટેકનોલોજીકલ વિકાસ પર પ્રકાશ પાડતા, શ્રી મોદીએ કુર્નૂલને ભારતના ડ્રોન હબ તરીકે સ્થાપિત કરવાના રાજ્યના પ્રયાસોની પ્રશંસા કરી.
આ પ્રસંગે તેમણે વિશાખાપટ્ટનમને દેશના પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હબનું આયોજન કરીને AI અને કનેક્ટિવિટી હબ તરીકે ઉભરી આવવાના વિઝનની રૂપરેખા પણ આપી.
મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આંધ્રપ્રદેશની એક દિવસની મુલાકાત દરમ્યાન આજે સવારે શ્રી મોદીએ શ્રીશૈલમમાં શ્રી ભ્રમરમ્બા મલ્લિકાર્જુન સ્વામી વરલા દેવસ્થાનમમાં પ્રાર્થના કરી. બાદમાં શ્રી શિવાજી સ્ફુર્તિ કેન્દ્રની મુલાકાત પણ લીધી હતી.
Site Admin | ઓક્ટોબર 16, 2025 7:53 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના કુર્નૂલમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
