સપ્ટેમ્બર 12, 2025 7:56 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 15મી સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 15મી સપ્ટેમ્બર સુધી મિઝોરમ, મણિપુર, આસામ, પશ્ચિમ બંગાળ અને બિહારના પ્રવાસે જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મિઝોરમની મુલાકાત દરમિયાન બૈરાબી-સૈરાંગ નવી રેલ્વે લાઇન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ રેલ્વે લાઇન મિઝોરમની રાજધાની આઈઝોલને ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડશે. 51 કિલોમીટરથી વધુ લાંબી આ રેલ્વે લાઇન 8 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે.
આ પ્રોજેક્ટ સાથે આઈઝોલ ગુવાહાટી, અગરતલા અને ઇટાનગર પછી ચોથું ઉત્તરપૂર્વીય રાજધાની શહેર બનશે જે ભારતીય રેલ્વે નેટવર્ક સાથે જોડાયેલું છે, જે વેપાર, પર્યટન અને આર્થિક વિકાસ માટે માર્ગો ખોલશે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા, મિઝોરમના રાજ્યપાલ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી જનરલ (નિવૃત્ત) વી કે સિંહે બૈરાબી-સૈરાંગ રેલ્વે પ્રોજેક્ટને ખૂબ જ મહત્વાકાંક્ષી અને મહત્વપૂર્ણ ગણાવ્યો. જનરલ સિંહે કહ્યું કે, આ પ્રોજેક્ટ મુસાફરી અને માલસામાનનો ખર્ચ ઘટાડશે અને સમય પણ બચાવશે. તેમણે કહ્યું કે, આનાથી વેપાર અને પર્યટનને વેગ મળશે અને રોજગારીની તકો ઉભી કરશે.
મિઝોરમની તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી ત્રણ રેલ સેવાઓને લીલી ઝંડી આપશે. જેમાં આઈઝોલ (સૈરાંગ) – દિલ્હી રાજધાની એક્સપ્રેસ, સૈરાંગ – કોલકાતા એક્સપ્રેસ અને સૈરાંગ – ગુવાહાટી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
મિઝોરમ પછી, પ્રધાનમંત્રી આવતીકાલે જ મણિપુરની મુલાકાત લેશે. તેઓ મણિપુરમાં 8 હજાર 500 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.
આસામની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ગુવાહાટીમાં ડૉ. ભૂપેન હજારિકાની 100મી જન્મજયંતિ ઉજવણીમાં ભાગ લેશે. તેઓ આ પ્રસંગે સભાને સંબોધન પણ કરશે. શ્રી મોદી રાજ્યમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુના મુખ્ય માળખાગત અને ઔદ્યોગિક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
શ્રી મોદી પશ્ચિમ બંગાળની પણ મુલાકાત લેશે. તેઓ રાજધાની કોલકાતામાં 16મા સંયુક્ત કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ પછી, બિહારની તેમની મુલાકાત દરમિયાન, શ્રી મોદી પૂર્ણિયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. તેઓ રાષ્ટ્રીય મખાના બોર્ડનું ઉદ્ઘાટન કરશે અને પૂર્ણિયા શહેરમાં લગભગ 36 હજાર કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે.