સપ્ટેમ્બર 7, 2025 2:04 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ સાથે યુક્રેનમાં સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવા સહિતના મુદ્દાઓ પર ટેલિફોનિક ચર્ચા કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે યુક્રેનમાં સંઘર્ષનો તાત્કાલિક અંત લાવવાના પ્રયાસો સહિત આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી. શ્રી મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ અને શાંતિ અને સ્થિરતાની તાત્કાલિક પુનઃસ્થાપના માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો.
બંને નેતાઓએ ટેલિફોનિક વાતચીતમાં વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં થયેલી પ્રગતિની સમીક્ષા અને મૂલ્યાંકન કર્યું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી, વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી રહેશે. પ્રધાનમંત્રી મોદીએ આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં યોજાનાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇમ્પેક્ટ સમિટ માટે આમંત્રણ સ્વીકારવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માન્યો.
પ્રધાનમંત્રી મોદીએ તાજેતરમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે વાતચીત કરી હતી. તેઓએ ભારત-EU મુક્ત વેપાર કરારના વહેલા નિષ્કર્ષ અને ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોરના અમલીકરણ માટે તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.